કચ્છ માં બીપરજોય થી થયું ખૂબ જ નુકશાન.

કચ્છમાં ચારેબાજુ તારાજી જ તારાજી:સ્થાનિકોએ કહ્યું- 1998ના વાવાઝોડા કરતાં પણ સ્થિતી વધુ ખરાબ, 500થી વધુ વૃક્ષો ધરાશાયી, આખી રાત લોકોએ ભયમાં વિતાવી.


ભુજ : 9 મિનિટ પહેલા


'બિપરજોય' વાવાઝોડાનું ગુરુવારે ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થતાં જ જળ, જમીન અને વાયુમાં તોફાન જ તોફાન જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા પર ભારે પવન અને વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષો, વીજપોલ અને હોર્ડિગ્ઝ ધરાશાયી થયાં છે. દૂધ, ન્યૂઝ પેપર જેવી રોંજિંદી ચીજ-વસ્તુઓ પર ભારે અસર વર્તાઇ રહી છે. તો ઉત્તર ગુજરાતમાં પણ ગઇકાલથી ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. જેને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયાં છે. મધરાતે કચ્છના બંદર પર તો વિશાળ વહાણ પણ પલટી ગયું હતું. 'બિપરજોય' વાવાઝોડાએ કચ્છવાસીઓને 25 વર્ષ જૂની કંડલા વાવાઝોડાની યાદ અપાવી દીધી છે.


1998 કરતાં પણ પરિસ્થિતિ ખરાબ: સ્થાનિક

​​​​માંડવીના સ્થાનિક શિવાભાઇ ભાનુશાલીએ જણાવ્યું હતું કે, તોફાની પવન અને અતિભારે વરસાદના કારણે આખી રાત ઊંઘી શક્યા નથી. હજી પણ પરિસ્થિતિ ભયાનક છે, નુકસાન પણ ઘણું થયું છે. હોર્ડિંગ્સ, પતરાં, વૃક્ષો અને વીજપોલ પડી ગયાં છે. 1998ના વાવાઝોડા સમયે હું 4 વર્ષનો હતો મને એ સીન પણ યાદ છે. પરંતુ આ વખતની પરિસ્થિતી તેનાથી પણ ખરાબ છે. તો પોરબંદરમાં ભારે વરસાદના કારણે સ્થાનિકો પાણીમાં ફસાયા હતા. NDRFની ટીમે સફળ રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડ્યા હતા.



છેલ્લા 20 કલાકથી વીજળી ગુલ

કચ્છમાં માંડવી, નલિયા, નારાયણ સરોવર, જખૌ બંદર, મુન્દ્રા અને ગાંધીધામ સહિતના વિસ્તારમાં બિપરજોય વાવાઝોડાએ કહેર વર્તાવ્યો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થતાં ઓખા અને માંડવીમાં છેલ્લા 20 કલાકથી વીજળી ગુલ છે, જેને લઇને લોકોની ઉપાધિમાં વધારો થયો છે. જોકે, સદનસીબે હજી જાનહાનિના કોઇ સમાચાર સામે આવ્યા નથી.


જામનગરમાં 100થી વધુ વૃક્ષો ધરાશાયી

વાવાઝોડાની અસરના પગલે જામનગરમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. જેથી રસ્તા સૂમસાન જોવા મળી રહ્યા છે. જીવન જરૂરિયાત વસ્તુની વાત કરવામાં આવે તો દૂધ તેમજ અન્ય વેપારીની દુકાન બંધ રહેતાં લોકોને રોંજિંદી વસ્તુઓ નથી મળી રહી. 100થી વધુ વીજપોલ અને અનેક વૃક્ષો ધરાશાયી થતાં અનેક વિસ્તારોમાં લાઈટ પણ ગુલ થઈ છે.



રાજકોટમાં ધોધમાર વરસાદ

બિપોરજોય વાવાઝોડાનું કચ્છમાં લેન્ડફોલ થયા બાદ રાતભર ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં પણ મોડીરાતથી ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાત્રે બે વાગ્યા પછી શરૂ થયેલા આ વરસાદથી શહેરના વેસ્ટઝોન ખાતે 2 ઇંચથી વધુ પાણી પડતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. આ વરસાદને પગલે ખુદ કલેક્ટર સહિતના અધિકારીઓ રાતભર ફિલ્ડમાં રહ્યા હતા અને ઓવરનાઈટ ડ્યૂટી બજાવી હતી.


મુખ્યમંત્રી વાવાઝોડાની સમીક્ષા બેઠક કરશે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 10 વાગ્યે સ્ટેટ ઇમર્જન્સી સેન્ટર ખાતે સમીક્ષા બેઠક કરશે. આ બેઠક બાદ વાવાઝોડાની તમામ ગતિવિધિઓ અંગે વડાપ્રધાનને વાકેફ કરી શકે છે. બ્રીફિંગ બાદ આગામી 48 કલાકમાં હવાઈ નિરીક્ષણ કરી વાવાઝોડાની સ્થિતિનો તાગ મેળવી શકે છે.


વાવાઝોડામાં માનવમૃત્યુની હજુ ઘટના સામે આવી નથી.

રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું હતું કે, સાઇક્લોનની આંખ પાકિસ્તાન તરફ ટચ થવાની પ્રક્રિયા શરૂ થઈ છે. કચ્છમાં હવાની 108 કિમીની ગતિ સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. ચક્રવાત મુજબ 940 ગામોમાં વીજપોલ પડ્યા છે. હાલ દ્વારકામાં પણ 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડામાં માનવમૃત્યુની હજુ ઘટના સામે આવી નથી. જ્યારે ઘાયલ લોકોનો આંક 22 છે. 23 પશુઓનાં મૃત્યુ થયાનો આંક પ્રાપ્ત થયો છે. જ્યારે 524 વૃક્ષો ધરાશાયી થયાં છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, જો આજે હવામાન સારું હશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાત‌ લઈ શકે છે.


કોટેશ્વરમાં વાવાઝોડા વચ્ચે દરિયાનાં પાણી પાછાં ફરતાં તર્કવિતર્ક સર્જાયાં.

કચ્છનું પ્રસિદ્ધ નારાયણ સરોવર તીર્થધામ જ્યાં આવેલું છે એ કોટેશ્વરમાં વાવાઝોડાના લેન્ડફોલની પ્રક્રિયા દરમિયાન અચાનક દરિયાનાં પાણી પાછાં ફરતાં તર્કવિતર્ક સર્જાયાં હતાં. સ્થાનિક લોકોએ આશંકા વ્યક્ત કરી હતી કે પાછાં ફરેલાં દરિયાનાં પાણી રાત્રે ફરી ઊથલો મારી ખાનખરાબી સર્જી શકે છે. અહીંના વાલરામ ભવનમાં બસો દ્વારા 300 લોકોને ખસેડવામાં આવ્યા છે.


'બિપરજોય'ના કારણે બિહામણાં દૃશ્યો સર્જાયાં.

જેનો ડર હતો તે 'બિપરજોય' વાવાઝોડાનું ગુજરાતના દરિયકાંઠે લેન્ડફોલ થતાં જ વિનાશનાં દૃશ્યો સામે આવવા લાગ્યાં હતાં. કચ્છ જિલ્લામાં અતિભારે પવન ફૂંકાતા મુન્દ્રાનો દરિયો ગાંડોતૂર બન્યો હતો. ભારે પવનના કારણે કચ્છના કોટડા ગામમાં મકાનનાં છાપરા ઊડ્યાં હતાં તો અબડાસાના સુજાપર ગામનું પ્રવેશદ્વાર જમીનદોસ્ત થયું હતું. ભારે પવનના કારણે કચ્છમાં ખારેકનાં અનેક વૃક્ષ ધરાશાયી થયાં હતાં. વીજપોલ ધરાશાયી થવાના કારણે અનેક વિસ્તારમાં અંધારપટ છવાયો હતો.

શું કહ્યું હવામાન વિભાગે?

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું હતું કે, 'બિપરજોય' વાવાઝોડાની લેન્ડફોન થવાની શરૂઆત થઈ ચૂકી છે. જે મધ્યરાત્રિ સુધી ચાલુ રહેશે. સંપૂર્ણ લેન્ડફોલ થાય ત્યારે હવાની સ્પીડ પ્રતિ કિલોમીટર 125 કિમીની રહેવાની સંભાવના છે. વાવાઝોડું સવારે સાઇક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થશે. ત્યારબાદ હવાની ગતિમાં ઘટાડો થશે અને શુક્રવારે સાંજે હવાની ગતિમાં વધુ ઘટાડો થઈ જશે. શુક્રવારે હવામાન વિભાગ દ્વારા કચ્છ, મોરબી, બનાસકાંઠા અને પાટણમાં ભારેથી અતિભારે વરસાદ જ્યારે અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.


કચ્છ સહિત આ જિલ્લાની શાળઓમાં શુક્રવારે રજા જાહેર

વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાને લઇ કચ્છની શાળા, કોલેજોમાં વધુ 2 દિવસની રજા જાહેર કરાઈ છે. હવે 17જૂન સુધી શૈક્ષણિક કાર્ય સંપૂર્ણ બંધ રહેશે. સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરાઇ છે. જોકે, આચાર્ય તથા સ્ટાફે હેડ કવાર્ટર પર ફરજિયાત હાજરી આપવાની રહેશે. આ ઉપરાંત અમદાવાદ, ખેડા, પાટણ, બનાસકાંઠા, વડોદરા, જામનગર, નવસારી, સાબરકાંઠાની શાળાઓમાં પણ આજે રજા જાહેર કરવામાં આવી છે.

શુક્રવારે સોમનાથ-દ્વારકા સહિત સૌરાષ્ટ્ર-કચ્છનાં તમામ મંદિરો બંધ

'બિપરજોય' વાવાઝોડાના કારણે આજે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ત્યારે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ, દ્વારકા, કાગવડ ખોડલધામ સહિતનાં તમામ મંદિરો આવતીકાલે દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.


19 જૂને યોજાનારી મદદનીશ વન સંરક્ષક વર્ગ-2ની પરીક્ષા મોકૂફ

ગુજરાત જાહેર સેવા આયોગ - GPSC દ્વારા જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૨-૨૩, મદદનીશ વન સંરક્ષક, વર્ગ-રની મુખ્ય પરીક્ષા (લેખિત) તા. 19, 21 અને 23 જૂન 2023ના રોજ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ રાજ્યમાં બિપરજોય વાવાઝોડાને ધ્યાનમાં લઈ તા.19 જૂન-2023ના રોજ યોજાનારી પરીક્ષા પેપર-1 અને 2 મોકૂફ રાખવામાં આવી છે. જ્યારે તા. 21 અને તા.23 જૂન 2023ના રોજની પરીક્ષા પેપર-3, 4 અને 5 યથાવત્ રાખવામાં આવી છે. મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષા બાબતે આયોગ દ્વારા ટૂંક સમયમાં આયોગની વેબસાઈટ પર તારીખ જાહેર કરવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા સંયુક્ત સચિવ, ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.


મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી સ્થિતિની સમીક્ષા કરી

ગુજરાતના દરિયકાંઠે વાવાઝોડાનું લેન્ડફોલ થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાવાઝોડાની સંભવિત તીવ્ર અસરો સામે સંભવિત અસરગ્રસ્ત 8 જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા કરાયેલી કામગીરીની વિગતો મેળવવા ગાંધીનગરમાં ગુરુવારે સાંજે બેઠક યોજી હતી. વાવાઝોડાની અસર પૂર્ણ થાય કે તરત જ પ્રાથમિક નુકસાનીના અંદાજ માટે જિલ્લા કલેકટરોને સૂચના આપી છે. અસરગ્રસ્તોને કેશડોલ, ઘરવખરી, ઝૂપડાં સહાય, પશુ સહાય જેવી સહાય પૂરી પાડવાની તૈયારી કરવા પણ તંત્રને સૂચના આપી હતી. ઘાયલ પશુઓને તત્કાલ યોગ્ય સારવાર મળી રહે તથા પશુ મૃતદેહોના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવા પણ તંત્રને ખાસ સૂચના આપવામાં આવી છે. પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ અને ગીર સોમનાથ જિલ્લાઓમાં વાવાઝોડાની અસરને પરિણામે પડી ગયેલાં વૃક્ષોને ખસેડવાની કામગીરી અને વીજ થાંભલાઓના સમારકામની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.


આ વાવાઝોડાને પગલે બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં આગામી એક બે દિવસ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. આ સંભાવનાને પગલે આ બે જિલ્લાના વહીવટી તંત્રને જરૂરી વ્યવસ્થાઓ સાથે સતર્ક રહીને દર કલાકે સ્ટેટ કંટ્રોલ રૂમને વિગતો પૂરી પાડવા સૂચનાઓ આપવામાં આવી છે. એટલું જ નહિ પાટણ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારના એક હજાર જેટલા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.


વાવાઝોડાના કારણે રાજકોટ ડિવિઝનની ટ્રેનોને અસર

ગુજરાતમાં ચક્રવાત 'બિપરજોય'ને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ ચક્રવાતની સંભાવનાવાળા વિસ્તારોમાં સાવચેતીનાં પગલાં તરીકે કેટલીક ટ્રેનોને આંશિક રીતે રદ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત, રાજકોટ ડિવિઝનના કાર્યક્ષેત્ર હેઠળ આવતા આ સંભવિત વિસ્તારોના ટ્રેન મુસાફરો માટે પશ્ચિમ રેલવે દ્વારા વિવિધ સલામતી અને સુરક્ષા સાવચેતીઓ પણ લેવામાં આવી રહી છે.


Comments